વાંકાનેર શહેરના મધ્યમાં આવેલા અને છેલ્લા ૪૫ વર્ષથી પરંપરાગત નવરાત્રી મહોત્સવની ઉજવણી કરતા શ્રી પ્રતાપ ચોક ગરબી મંડળ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ અને આસ્થાભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીં બાળાઓ દ્વારા પ્રાચીન ગરબાઓની રમઝટ સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે.
પ્રતાપ ચોક ગરબી મંડળમાં ચોથા નોરતાથી લઈને આઠમા નોરતા સુધી મોમાઈ માતાજી, ખોડિયાર માતાજી, મોગલ માતાજી, અંબે માતાજી અને મેલડી માતાજીની સવારી કાઢવામાં આવે છે. જેમાં સાતમા નોરતે નીકળતી મેલડી માતાજીની સવારી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.

મેલડી માતાજી પોતાના વાહન બોકડા પર બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપે છે. માતાજીની સવારીનાં દર્શન કરવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે અને ધન્યતા અનુભવે છે.
આ પરંપરાગત ધાર્મિક ઉત્સવ દરમિયાન દર વર્ષે રાજુભાઈ લાલાણી દ્વારા માતાજીના પૂજન-અર્ચન અને આરતીનો લાભ લેવામાં આવે છે. ૪૫ વર્ષથી ચાલી આવતી આ પરંપરા વાંકાનેરની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખી રહી છે. આ ગરબી મંડળ ના આયોજક કિર્તીભાઇ તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી ને આ ઉત્સવ ને ઉત્સાહ સાથે દર વર્ષે ઉજવવામાં આવે છે.













