દર્દીઓના નિદાન માટે કેમ્પમાં જ આધુનિક એકસરે મશીનો રખાયા હતા તેમજ 50 આયુષ્યમાન કાર્ડ કાઢી અપાયા
વાંકાનેર : શહેરમાં જિનપરા ચોક સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી ગઢીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા લોકસેવાના ભાગરૂપે ત્રિવિધ નિઃશુલ્ક સેવાઓ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં હાડકા તથા સાંધાના રોગોના નિષ્ણાત ઓર્થોપેડીક ડોક્ટર બાળકોના રોગોના બાળરોગ નિષ્ણાત ડોક્ટર યુરો સર્જન બીપી ડાયાબિટીસ માટે જનરલ મેડિસિન એપેન્ડિસ અને સારણગાથની સર્જરીના નિષ્ણાત ડોક્ટર જનરલ સર્જરી દ્વારા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવેલ. નિદાન માટે એકસરે ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

આ કેમ્પ સાથે આયુષ્યમાન કાર્ડ કાઢી અપાયા જેમાં 50 જેટલા લોકોને કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા શહેર તથા તાલુકાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ શ્રી ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ શ્રી વેલનાથ મિત્ર મંડળ યુવા સેવા સારથી સંગઠન ભારત વિકાસ પરિષદ બોલબાલા ટ્રસ્ટ વાંકાનેર સહિતની સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી.

કેમ્પમાં મોરબીની આયુસ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી સાથે પ્રાથમિક દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી. સર્વ રોગ નિદાન કેમ્પમાં 300 થી વધુ દર્દીઓએ નિદાન કરાવી દવાઓનો લાભ મેળવ્યો હતો. આ સેવા નિદાન કેમ્પમાં પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર દ્વારા સેવા કાર્યમાં જોડાયેલા તમામ સંસ્થાઓના સ્વયંસેવકો તથા વ્યવસ્થામાં જોડાયેલા સેવાભાવીઓ માટે ભોજન પ્રસાદની જવાબદારી સંભાળી હતી.

આ ભગીરથ સેવા કાર્ય બદલ શૈલેષભાઇ ઠક્કરનું દરેક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે નિદાન કેમ્પમાં દર્દીઓનું નિદાન કરનાર તબીબોનું પણ આ તકે સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. કેમ્પને અંતે ગઢીયા હનુમાન મિત્ર મંડળ તરફથી સૌનો આભાર માનવામાં આવયો હતો.












