રાજ્ય સરકાર દ્વારા બુધવારે રાજ્યભરના 72 સનદી અધિકારીઓની એકસાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવતા મોરબી જિલ્લામાં પણ મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના આ આદેશ મુજબ મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની બદલી કરી તેમને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે.
તેમના સ્થાને હાલ મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વપ્રિલ ખરેને મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. બીજી તરફ મોરબી મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે અગાઉ મોરબીમાં સેવા આપી ચૂકેલા સંગીતા રૈયાણીની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત લાંબા સમયથી ઇન્ચાર્જ હવાલે ચાલી રહેલી જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની જગ્યાએ હવે કાયમી અધિકારી તરીકે શ્રી વિદ્યાસાગરની નિમણૂક કરવામાં આવતા જિલ્લા પંચાયતના વહીવટમાં પણ નવી ગતિ આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

રાજ્ય સરકારના આ મોટા વહીવટી ફેરફાર બાદ મોરબી જિલ્લાના પ્રશાસનિક વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને કલેકટર અને કમિશનર સ્તરે થયેલા બદલાવને આગામી સમયમાં વિકાસ કાર્યો અને વહીવટી કામગીરી પર સીધી અસર કરનાર માનવામાં આવી રહ્યા છે.











