નવરાત્રી દરમિયાન વાંકાનેરથી કચ્છ તરફ પદયાત્રા કરી રહેલા ભક્તોની સેવા માટે ઢુવા સહિતના વિસ્તારોમાં વિવિધ સેવાકીય કેમ્પો કાર્યરત છે. દરમિયાન ઢુવા નજીકના એક સેવાકીય કેમ્પેથી 12 વર્ષનું બાળક પોતાના વાલી-વારસદારથી વિખૂટું પડી જતાં વાંકાનેર તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકને પરિવાર સાથે મિલાવ્યું હતું.

બપોરે આશરે 1:30 વાગ્યે બાળક વિખૂટું પડ્યાની જાણ ઇમરજન્સી હેલ્પલાઇન 112 મારફતે પોલીસને થઈ હતી. બાળકને વાંકાનેર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું. બાળક હિન્દીભાષી અને મૂળ અન્ય રાજ્યનો હોવાથી પરિવારને શોધવો પડકારરૂપ હતો.
તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલની સૂચના હેઠળ ઢુવા બીટના એએસઆઈ સુરેશભાઈ ચાવડા સહિતની ટીમે બાળક સાથે હિન્દીમાં વાતચીત કરી તેના વતન અને પરિવાર અંગે વિગતો મેળવી. સ્થાનિક સંપર્કો, માધ્યમો અને વિવિધ હેલ્પલાઈનની મદદથી સતત આશરે ત્રણ કલાકની મહેનત બાદ બાળકના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો. પરિવારને પોલીસ મથકે બોલાવી બાળકને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપવામાં આવ્યું હતું. પુત્રને સુરક્ષિત જોઈ માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

આ કામગીરીમાં પીએસઆઈ ડી.વી. ખાંભલા, સી-ટીમના હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિરલબેન દિનેશભાઈ, ઢુવા બીટના એએસઆઈ સુરેશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
112થી મળેલી જાણકારીથી શરૂ થયેલી પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને સતત સંકલનના પરિણામે બાળક ગણતરીના કલાકોમાં પરિવાર સુધી પહોંચી શક્યું હતું.










