કમ્પાઉન્ડ વોલ માટે ફાળવાયેલી ગ્રાન્ટ બાદ શાળામાં યોજાયેલી મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રજૂ કર્યા અંગ કસરતના દાવ અને વિવિધ રમતો

વાંકાનેર તાલુકાની શ્રી રાતીદેવળી પ્રાથમિક શાળામાં વર્ષ 2025-26 અંતર્ગત માનનીય રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા શાળા ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટના પરિણામે શાળા પરિસર ફરતે સુરક્ષા કવચ ઊભું થયું છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ બન્યું છે.
આજરોજ તા. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ રાતીદેવળી પ્રાથમિક શાળાની વિશેષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંગ કસરતના વિવિધ દાવ તેમજ વિવિધ રમતોની રજૂઆત કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા “અમરચરિત્ર ગાથા” વિષય પર વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે વાંકાનેરના રાજવી શ્રી અમરસિંહ બાપુના જીવન અને કાર્યને રજૂ કરતી ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવી હતી. ડોક્યુમેન્ટરી નિહાળી શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ વિદ્યાર્થીઓની રજૂઆતને બિરદાવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સાંસદશ્રીના હસ્તે વિવિધ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શાળાના આચાર્યાશ્રી ચંદ્રિકાબેન સોલંકી તથા શિક્ષકો શ્રી ઋષિરાજસિંહ ઝાલા, ગીતાબેન વાઘેલા, ડૉ. પાયલબેન ભટ્ટ અને પૂજાબા જાડેજાએ પોતાની લાગણી વ્યક્ત કરી માનનીય રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો તથા આભાર પત્ર અર્પણ કર્યો હતો.













