દર્દીની સારવાર અને રેફર કરવાની બાબતે બોલાચાલી બાદ હુમલો થયાનો ફરિયાદમાં ઉલ્લેખ; CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડોક્ટર સાથે મારામારી અને ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે. આ બનાવ અંગે ફરજ પરના ડોક્ટરે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પલાસડી ગામના રહેવાસી અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોહમ્મદ અબ્દુલ રહીમ વકાલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક દર્દી અગાઉના રિપોર્ટ પ્રમાણે કેન્સરના દર્દી હોવાનું જાણવા મળ્યું હતું. દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને એમડી ડોક્ટર પાસે સારવાર કરાવવી જરૂરી હોવાનું જણાવી તેમને રાજકોટ, મોરબી અથવા અન્ય ખાનગી હોસ્પિટલમાં રિફર કરવાની સલાહ આપવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, આ ઘટનાના થોડા સમય બાદ અમિત સેજપાલ હોસ્પિટલમાં આવ્યા હતા. ડોક્ટર સાથે સારવાર અને દર્દીને રિફર કરવાના મુદ્દે ચર્ચા દરમિયાન બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અપશબ્દો બોલવા ઉપરાંત નોકરીને લઈને ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ડોક્ટરના જણાવ્યા મુજબ, તેઓ ઓપીડીમાં પરત જઈ રહ્યા હતા ત્યારે અમિત સેજપાલે પાછળથી તેમની ગરદનના ભાગે થપ્પડ મારી હતી. હોસ્પિટલ સ્ટાફે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. સાથે આવેલા અન્ય શખ્સે પણ ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ મામલે અમિતભાઈ સેજપાલ તરફથી અલગ રજૂઆત પણ સામે આવી છે કે જ્યારે ૨ દિવસ પેહલા તેમના માતૃશ્રી ની ત્યાં સારવાર માટે ગયા હતા ત્યારે ડોક્ટર દ્વારા તેમને દવા આપવામાં આવી હતી પરંતુ કઈ ફેર ન પડતા ૨ દિવસ બાદ ફરીથી ફરીથી તબિયત બગડતા તેમના માતૃશ્રી ફરીથી સારવાર લેવા ગયા ત્યારે ડોક્ટર દ્વારા તે જ દવા રીપીટ કરવામાં આવી ત્યારે દર્દી અને તેમના દીકરી દ્વારા કહેવામાં આવ્યું કે આ દવા થી તબિયત માં કોઈ ફેર નથી તો કંઈક બીજી દવા અથવા ટ્રીટમેન્ટ આપો.
તો ડોક્ટર દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈ પૂર્વક નું વર્તન કરવામાં આવ્યું અને તે તે ત્યાંથી જતા રહ્યા અને ઘરે આવી જ્યારે અમિત સેજપાલ ને આ વાત કરતા તે સિવિલ હોસ્પિટલએ પહોંચ્યા અને વાતચીત કરતા ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ કેસ મારા બર નો નથી તેમને રાજકોટ લઈ જવા જોઈએ, પણ અમિત ભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે આવા નાના તાવ શરદી ના કેસ માટે બીજે રિફર કરવા ની જરૂર નથી અહીંયા પણ પ્રોપર ટ્રીમેન્ટ થઈ શકે.
આ બાબત નું ડોક્ટર સાહેબ ને ખોટું લાગતા કહ્યું કે “તું મને શિખવાડવા વાળો કોણ”, “તું મને કહેવા વાળો કોણ” તેમ કહી ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા થોડી માથાકૂટ વધી હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે










