વાંકાનેર તાલુકાના જાલસિકા-વસુંધરા વિસ્તારમાં બનેલી ઘટનામાં કુહાડી અને લોખંડના પાઈપથી હુમલો કર્યાનો આક્ષેપ
વાંકાનેર તાલુકાના જાલસિકા-વસુંધરા વિસ્તારમાં સરપંચના પરિવાર સાથે થયેલા મનદુઃખના પગલે મારામારી અને જીવલેણ હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવ અંગે જીવનદીપ ધીરુભાઈ ડાંગર (ઉ.વ. 36) દ્વારા વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો સહિત તપાસમાં ખુલતા અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદ મુજબ, ફરિયાદીના પિતા ધીરુભાઈ કરશનભાઈ ડાંગર જાલસિકા-વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ છે. વસુંધરા ગામમાં ચાલતી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખનીજ ચોરી, દૂધ સહકારી મંડળી સંબંધિત ગેરરીતિ તેમજ અન્ય મુદ્દે તેમણે સંબંધિત વિભાગોમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જેના કારણે કેટલાક લોકો સાથે મનદુઃખ થયું હોવાનું પણ જણાવાયું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 9 સપ્ટેમ્બર 2026ના સાંજના સમયે ધીરુભાઈ જાલસિકાથી રાજકોટ તરફ એક્ટિવા પર જતા હતા ત્યારે જીવાપર ગામના પાટિયા નજીક તેમના વાહનને અન્ય વાહનથી ટક્કર મારી પાડી દેવામાં આવ્યું અને ત્યારબાદ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં તેમના પુત્ર જીવનદીપ અને એભલ અર્ટિગા કાર લઈને પિતાની શોધખોળ કરવા નીકળ્યા હતા.

શોધખોળ દરમિયાન બંને વસુંધરા ગામની દૂધ સહકારી મંડળી પાસે પહોંચ્યા હતા, જ્યાં ફરિયાદમાં નામજોગ જણાવાયેલા ચાર શખ્સો હાજર હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ પિતા વિશે પૂછતાં આરોપીઓએ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ એક શખ્સે કુહાડી વડે એભલના માથામાં ઘા માર્યો હતો, જ્યારે અન્ય શખ્સોએ લાકડી અને લોખંડના પાઈપ વડે બંને ભાઈઓ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, હુમલાખોરોએ બંને ભાઈઓનો પીછો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાગતી વખતે જીવનદીપને કુહાડીની બુંધરાટીથી પગ તથા શરીરના અન્ય ભાગે ઈજા થઈ હતી અને ત્યારબાદ લોખંડના પાઈપ વડે માથામાં ઉપરાઉપરી ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને પગલે જીવનદીપને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદી મુજબ તેમને માથામાં હેમરેજ તથા હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાનું તબીબોએ જણાવ્યું છે. માથામાં ગંભીર ઈજા અને અર્ધબેભાન સ્થિતિને કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 109(1), 115(2), 117(2), 118(1), 352, 351(3), 125(એ), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.










