વાંકાનેર નજીક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા લોકમેળા બાદ પ્લાસ્ટિકના કચરાના ઢગલા સામે ‘કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા હાથ ધરાયેલા મહા સફાઈ અભિયાનને પગલે હવે મોરબી જિલ્લાના લોકમેળાઓમાં સફાઈને લઈને મહત્વની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવનાર છે.

જડેશ્વર મેળા બાદ સંસ્થાના સ્વયંસેવકોએ મેળાના ગ્રાઉન્ડમાંથી ૧૮x૩૬ સાઈઝની ૫૭ મોટી બેગ જેટલો પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. આ કામગીરી બાદ સંસ્થાએ કચરો સાફ કરવાને બદલે કચરો જ ન થાય તે માટે મેળાઓમાં કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

સંસ્થાના પ્રમુખ ગૌરવ જાની તથા ટીમે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી અને મામલતદારશ્રી અલ્પેશભાઈ પરમાર સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી. સંસ્થાની રજૂઆતને તંત્ર દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
મામલતદારશ્રી અલ્પેશભાઈ પરમાર દ્વારા આગામી સમયમાં મોરબી જિલ્લામાં યોજાનાર સાતમ-આઠમ સહિતના તમામ લોકમેળાઓમાં દરેક સ્ટોલની બહાર ડસ્ટબિન ફરજિયાત રાખવા, રાત્રે કચરાનો યોગ્ય નિકાલ કરવા તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવા અંગે ખાતરી આપવામાં આવી છે.










