વાંકાનેરમાં આધુનિક ‘સ્માર્ટ પુસ્તકાલય’ની માંગ ઉઠી: વિદ્યાર્થીઓ અને આચાર્યોનું સમર્થન

Image

વાંકાનેર, તા. ૨૭ ઓગસ્ટ: વાંકાનેર તાલુકામાં સંપૂર્ણ સુવિધાયુક્ત અને આધુનિક જાહેર પુસ્તકાલયની જરૂરિયાતને લઈ જાગૃત નાગરિક જયેન્દ્રસિંહ મધુભા ઝાલાએ વાંકાનેર મામલતદારને લેખિત અરજી કરી છે. અરજી સાથે વિવિધ શાળા-કોલેજોના આચાર્યશ્રીઓ તથા સેંકડો વિદ્યાર્થીઓએ સહી કરીને સમર્થન આપ્યું છે.


અરજદારે રજૂઆતમાં જણાવ્યું કે વાંકાનેરમાં હાલ કાર્યરત નાનકડી સરકારી લાઈબ્રેરી આજના સમયની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતી નથી. ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ ૩૭ હેઠળ યોગ્ય સરકારી જમીન ફાળવી ‘ધ ગુજરાત પબ્લિક લાઈબ્રેરીઝ એક્ટ, ૨૦૦૧’ મુજબ ‘Class-A’ કક્ષાનું આધુનિક પુસ્તકાલય બનાવવાની માંગ કરાઈ છે.


પ્રસ્તાવિત સ્માર્ટ પુસ્તકાલયમાં ૧૫ હજારથી વધુ પુસ્તકોનો સંગ્રહ, કમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, ડિજિટલ લાઈબ્રેરી, અલગ બાળ વિભાગ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અલાયદો વિભાગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ છે.


અરજીમાં IFLAના ધોરણો સહિતના આંકડા રજૂ કરી દેશમાં પુસ્તકાલયોની જરૂરિયાત અને માળખાકીય વિકાસ અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારની રાજા રામમોહન રોય લાઈબ્રેરી ફાઉન્ડેશનની મેચિંગ ગ્રાન્ટ તથા રાજ્ય સરકારની પુસ્તકાલય સંબંધિત અનુદાન યોજનાઓનો ઉલ્લેખ કરી પ્રોજેક્ટ માટે ભંડોળની શક્યતાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે.


પ્રધાનમંત્રી દ્વારા ૧૫ ઓગસ્ટે વિદ્યાર્થીઓને યુટ્યુબ મારફતે મફત કોચિંગ ઉપલબ્ધ કરાવવાની જાહેરાતનો ઉલ્લેખ કરતાં અરજદારે જણાવ્યું કે વિદ્યાર્થીઓને આવી શૈક્ષણિક સામગ્રીનો શાંતિપૂર્ણ વાતાવરણમાં લાભ મળે તે માટે આધુનિક પુસ્તકાલય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
અરજી સાથે જોડાયેલા સમર્થનપત્રમાં શાળા-કોલેજોના આચાર્યશ્રીઓ અને સેંકડો વિદ્યાર્થીઓની સહીઓ છે.

અરજદારે આ માંગણી કોઈ રાજકીય મુદ્દો નહીં પરંતુ વાંકાનેરના વિદ્યાર્થીઓ અને યુવાધનના શૈક્ષણિક હિત સાથે જોડાયેલી નાગરિક પહેલ હોવાનું જણાવ્યું હતું. મામલતદાર કચેરી ખાતે અરજી સુપરત કર્યા બાદ અરજદારે આશા વ્યક્ત કરી હતી કે વહીવટીતંત્ર રજૂઆતને ગંભીરતાથી લઈ યોગ્ય સરકારી જમીનની ફાળવણી સહિતની કાર્યવાહી હાથ ધરશે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading