વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ખરીદીના બહાને આવેલા અજાણ્યા મહિલા અને પુરુષે વેપારીની નજર ચૂકવી રૂ.81,400ની કિંમતની સોનાની બુટી ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, ખોરાણા ગામના કાનાભાઈ જોધાભાઈ ડાભી/ભરવાડ વાંકાનેર મેઈન બજારમાં હીરાપના કોમ્પ્લેક્સની બાજુમાં છેલ્લા એક મહિનાથી ‘દ્વારકાધીશ જ્વેલર્સ’ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવે છે. તા.15 ઓગસ્ટના રોજ સવારે તેઓ દુકાને હાજર હતા.

આશરે 11 વાગ્યાના સમયે એક મહિલા અને એક પુરુષ દુકાને આવ્યા હતા અને સૌપ્રથમ સોનાની કાનની વાળી તથા ત્યારબાદ સોનાની બુટીઓની ડિઝાઇન જોવા માંગી હતી. વેપારીએ સોનાની અલગ-અલગ બુટીઓનું બોક્સ કાઉન્ટર પર બતાવ્યું હતું. દરમિયાન મહિલાએ પોતાની પાસે રહેલી જૂની ચાંદીની સાંકળ વેચવાની વાત કરી હતી. વેપારીએ સાંકળનું વજન કરીને પરત આપ્યા બાદ બંનેને ચાંદીની સાંકળો પણ બતાવી હતી. એક સાંકળ પસંદ આવ્યા બાદ ભાવતાલ થયો હતો, પરંતુ મહિલાએ હાલ રૂપિયા ન હોવાનું જણાવી સાંકળ અલગ રાખવા અને રૂપિયા લઈને બાદમાં આવવાનું કહી બંને દુકાનમાંથી નીકળી ગયા હતા.

બંને જતા રહ્યા બાદ વેપારી સોનાની બુટીઓનું બોક્સ પેક કરી રહ્યા હતા ત્યારે એક બુટી ઓછી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. દુકાનમાં શોધખોળ કરવા છતાં બુટી મળી ન આવતા વેપારીએ મહિલા અને પુરુષ પર શંકા વ્યક્ત કરી હતી.
ચોરાયેલી સોનાની બુટીનું વજન 5.190 ગ્રામ હોવાનું અને તેની કિંમત રૂ.81,400 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વેપારી પોતાની રીતે તપાસ કરતા રહ્યા બાદ બુટી મળી ન આવતા આ અંગે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










