વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે રહેણાંક મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટનું લોક તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.1.60 લાખની માલમત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

ફરિયાદી ઉસ્માનગનીભાઈ મહમદભાઈ માથકીયા, રહે. કોઠારીયા નવા પ્લોટ વિસ્તાર, કુમાર શાળાની બાજુમાં, વાંકાનેર, ખેતીકામ કરે છે. ફરિયાદ મુજબ તા.24 ઓગસ્ટના રોજ સવારે તેઓ ખેતીકામ માટે વાડી ખાતે ગયા હતા. તેમનો પુત્ર સોહરાબ સવારે આશરે 9 વાગ્યે મકાનને તાળું મારી મોરબી ખાતે નોકરીએ ગયો હતો. ત્યારબાદ આશરે 11:45 વાગ્યે ફરિયાદીના પત્ની તથા પુત્રી વાડી પરથી ઘરે પરત ફર્યા ત્યારે મકાનના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.

ઘરમાં તપાસ કરતાં ડાબી બાજુના રૂમમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને કબાટનું લોક પણ તૂટેલું હતું. કબાટમાંથી ફરિયાદીના પત્નીના સોનાના હાંસડી હાર, પોંચી, વીંટી, કાનના એરિંગ, સોનાની સેર સહિતના દાગીના તેમજ ચાંદીના સાંકળા અને અન્ય દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત રૂ.10 હજાર રોકડ પણ ચોરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ સોનાના આશરે 7 તોલા દાગીનાની કિંમત રૂ.1.40 લાખ તથા ચાંદીના આશરે 96 ગ્રામ દાગીનાની કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ.1.50 લાખના દાગીના અને રૂ.10 હજાર રોકડ સહિત કુલ રૂ.1.60 લાખની માલમત્તાની ચોરી થઈ છે.

બનાવ અંગે પરિવારજનો દ્વારા તપાસ કર્યા બાદ પોલીસને 112 મારફતે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદી દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.









