
વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર, સમથેરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી અને સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીના વહન માટે નાખવામાં આવેલી હેવી વીજ લાઇનમાંથી અંદાજે રૂ.11 લાખની કિંમતનો આશરે 3000 કિલો એલ્યુમિનિયમ વીજ વાયર ચોરી કરાયો હતો. સાથે સાથે આશરે રૂ.5 લાખના વાયરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ મોરબી એલસીબી ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં વાયર ચોર ગેંગના ચાર સભ્યો અને ચોરીનો માલ ભંગારમાં રાખનાર વેપારી સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
14.13 લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસે આરોપીઓના કબ્જામાંથી રૂ.35 હજારની કિંમતના 7 મોબાઇલ ફોન, આશરે 2650 કિલો વજનના એલ્યુમિનિયમ વાયરનાં 157 ઢાળીયા (કિંમત રૂ.9,75,200), વાયર કાપવાના 2 કટર, 1 બેલ્ટ, 1 ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, 2 ઇલેક્ટ્રિક જમ્પર તેમજ રૂ.4 લાખ કિંમતનું બોલેરો પીકઅપ (નં. GJ-13-AW-8337) સહિત કુલ રૂ.14,13,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દિવસ દરમિયાન રેકી, રાત્રે ચોરી
પકડાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે છેલ્લા બે મહિનાથી વાંકાનેર તાલુકાના પાડધરા, ઓળ, માટેલ, સમથેરવા વિસ્તારો તેમજ હળવદ, સાયલા અને મુળી તાલુકાના કેટલાક ગામોની સીમમાં દિવસ દરમિયાન બે મોટરસાયકલ પર રેકી કરતા હતા. જ્યાં નવા એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક તાર નાખવાની કામગીરી ચાલી રહી હોય અને રાત્રે સુરક્ષા ન હોય તેવા સ્થળોને ટારગેટ કરતા હતા.
મોડી રાત્રે બોલેરો પીકઅપ અને વાયર કાપવાના સાધનો સાથે પહોંચી થાંભલાઓ પરથી એલ્યુમિનિયમ તાર કાપી ચોરી કરતા હતા. બાદમાં વાંકાનેર અને થાન વિસ્તારમાં ભંગાર વેપારીઓને વેચી ભઠ્ઠીમાં ઓગાળીને ઢાળીયા બનાવી વેચાણ કરતા હતા.
અન્ય 5 આરોપી ફરાર. તપાસ દરમિયાન અન્ય પાંચ શખ્સોની સંડોવણી સામે આવી છે. પોલીસ દ્વારા તેમને ફરાર જાહેર કરી ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ચોરીના બનાવોમાં આ ગેંગ સંડોવાયેલ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









