વાંકાનેર તાલુકાના કોટડા નાયાણીથી કાગદડી જવાના રસ્તે ડેમી નદીના ધસમસતા પ્રવાહમાં ઓટો રીક્ષા તણાઈ જવાની હૃદયદ્રાવક ઘટનાના બીજા દિવસે લાપતા રહેલા 7 વર્ષીય કાસિમ સિરાનભાઈ કટ્યારનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ગઈકાલે તેના પિતા સિરાનભાઈ ખમીસાભાઈ કટ્યાર (ઉં. 35)નો મૃતદેહ મળી આવ્યો હતો. પિતા-પુત્ર બંનેના મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભારે વરસાદને કારણે ડેમી નદીમાં આવેલા પ્રચંડ વહેણ દરમિયાન ઓટો રીક્ષા પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનામાં સિરાનભાઈ અને તેમનો પુત્ર કાસિમ પાણીમાં તણાયા હતા. બચાવ કામગીરી દરમિયાન ગઈકાલે સિરાનભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે કાસિમ લાપતા હતો.

વહીવટી તંત્ર અને બચાવ ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આજે બીજા દિવસે કાસિમનો મૃતદેહ મળી આવતા તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગોઝારી ઘટનાથી કટ્યાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે સમગ્ર પંથકમાં પણ દુઃખ અને અરેરાટીનો માહોલ સર્જાયો છે.












