ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના બુલેટિન મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 44.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 30 મેથી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ શરૂ થશે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ત્યારબાદ 1 અને 2 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. 2 અને 3 જૂને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 3થી 5 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજકોટ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગે નાગરિકોને વીજળીના કડાકા-ભડાકા દરમિયાન સાવચેતી રાખવા તેમજ ખુલ્લા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવા અપીલ કરી છે.












