‘સામું જોઈ કાતરીયા કેમ મારે છે?’ પ્રશ્ન પૂછતા યુવાન પર હુમલો, માર્કેટ ચોકની બોલાચાલી બાદ ભરવાડપરામાં હથિયારો સાથે ધસી આવ્યા ઈસમો, 8 સામે ગુનો નોંધાયો

Image

વાંકાનેર: શહેરના માર્કેટ ચોક વિસ્તારમાં કાતરીયા મારવાની બાબતે શરૂ થયેલો સામાન્ય વિવાદ બાદમાં મારામારી, ધમકી અને હથિયારધારી ટોળાની હાજરી સુધી પહોંચતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


પોલીસ ફરિયાદ મુજબ ભરવાડપરા શેરી નં. 5 ખાતે રહેતા વિશ્વદીપભાઈ ગાંડુભાઈ ડાભી (ઉ.વ. 27) ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેઓ 12 જૂનના રોજ સાંજે પોતાના મિત્ર હિરેનભાઈ ભરતભાઈ રાઠોડ સાથે એક્ટિવા પર વઘાસીયા ટોલનાકા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન માર્કેટ ચોક ખાતે આવેલી ઇલોરા પાનની દુકાન નજીક કનૈયા ચાની હોટલ પાસે તેમના મિત્ર મિલનભાઈ દાદર મળતા તેઓ ચા પીવા માટે ત્યાં રોકાયા હતા.


તે સમયે ત્યાં હાજર એજાજ ઉર્ફે ડાડલી અને મહમદ હુસેન લાખા પૈકી એજાજ ઉર્ફે ડાડલી ફરિયાદીની સામે કાતરીયા મારતો હોવાનું જણાતાં વિશ્વદીપભાઈએ તેને આ અંગે પૂછપરછ કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ફરિયાદ અનુસાર એજાજ ઉર્ફે ડાડલી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. ત્યારબાદ કનૈયા ચાની હોટલમાંથી સાણસી લઈ ફરિયાદી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હોટલ સંચાલકના પુત્ર જીતાભાઈએ સમયસર દરમિયાનગીરી કરીને એજાજ પાસેથી સાણસી છીનવી લીધી હતી.


ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે એજાજ ઉર્ફે ડાડલીએ ફરિયાદી વિશ્વદીપભાઈ તથા તેમના મિત્ર મિલનભાઈ દાદર સાથે જપાજપી કરી હતી. આ દરમિયાન ફરિયાદીનો કોલર પકડી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં હોટલ સંચાલક કાનાભાઈ પાંચાભાઈ ગમારા વચ્ચે પડતા મામલો શાંત થયો હતો અને બંને પક્ષો ત્યાંથી વિખેરાઈ ગયા હતા.


જોકે થોડા સમય બાદ ફરિયાદી પોતાના મિત્રો સાથે ભરવાડપરા વિસ્તારમાં હાજર હતા ત્યારે એજાજ ઉર્ફે ડાડલી, તેનો ભાઈ, મહમદ હુસેન લાખા, નીખીલ ઉર્ફે કાબો ભોજક, અકીલ, ઇકબાલ (સિપાઈ શેરી), આફતાબ લાખા અને અલફાઝ માણેક સહિત કુલ આઠ શખ્સો લોખંડના પાઈપ, છરી અને ધારીયા જેવા હથિયારો સાથે એકજૂથ થઈ ભરવાડપરા તરફ આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.


આ તમામ શખ્સોએ ફરિયાદી અને તેમના સાથીદારોને ગાળાગાળી કરી ધમકીઓ આપી હતી. દરમિયાન કુંભારપરા ચોક પાસે પોલીસની પેટ્રોલિંગ ગાડી પહોંચી જતા તમામ આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.


આ સમગ્ર ઘટનાને લઈને વિશ્વદીપભાઈ ડાભીની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે એજાજ ઉર્ફે ડાડલી સહિત કુલ 8 આરોપીઓ સામે બી.એન.એસ.ની કલમ 189(2), 190, 191(1)(2), 115(2), 351(3), 352 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading