વાંકાનેર: લોડીંગ કોન્ટ્રાક્ટને લઈને થયેલી અદાવતના કારણે વાંકાનેર તાલુકામાં એક લેબર કોન્ટ્રાક્ટર પર ચાકૂ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ વાંકાનેર નજીક રહેતા ગજરાજભાઈ અમરેશભાઈ ગુર્જર સીરામીક ઉદ્યોગોમાં લોડીંગ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. ફરિયાદ મુજબ, તેમના ભાગીદાર વિજયભાઈ સાથે એમ્બિટો સીરામીકમાં લોડીંગ કોન્ટ્રાક્ટ બાબતે હરીસિંહ ગુર્જર સાથે અગાઉ બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલીનો ખાર રાખીને હરીસિંહના કહેવાથી જોગેન્દ્ર ગુર્જર અને લોકેન્દ્ર નામના શખ્સો કવરસ્ટોન સીરામીક નજીક ગજરાજભાઈ પાસે પહોંચ્યા હતા. આરોપીઓએ કોન્ટ્રાક્ટ બાબતે ધમકી આપી હુમલો કર્યો હતો. જેમાં જોગેન્દ્રે ચાકૂ વડે ગજરાજભાઈના જમણા કાન તથા કાનની બાજુમાં ઘા ઝીંક્યો હતો, જ્યારે લોકેન્દ્રે લાકડાના ધોકાથી શરીરે ઇજાઓ પહોંચાડી હતી.

બનાવ દરમિયાન નજીકના દુકાનદાર અને સિક્યુરિટી ગાર્ડ દોડી આવતા હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના કાનના ભાગે ટાંકા લઈ સારવાર આપવામાં આવી રહી છે.

આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










