વાંકાનેર નજીક હસનપર બ્રિજ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે કારચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, વાંકાનેરના જીનપરા આશિયાના રોડ વિસ્તારમાં રહેતા અને જુનાગઢ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રવિભાઈ મુકેશભાઈ જોષીએ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે તેમના પિતા મુકેશભાઈ અને નેશનલ મિનરલ્સ કારખાનામાં સાથે કામ કરતા સદાકતખાન 13 જુલાઈની રાત્રે મોટરસાયકલ (જીજે-36-એન-4061) પર કારખાને જવા નીકળ્યા હતા.

રાત્રે આશરે 11 વાગ્યે હસનપર બ્રિજ પર પહોંચતા આગળ જઈ રહેલી કાર (જીજે-36-એપી-8221)ના ચાલકે અચાનક વળાંક લેતા મોટરસાયકલ કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક સદાકતખાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા મુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને પ્રથમ સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ બનાવ અંગે પોલીસે કારચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 106(1), 125(અ-બ) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










