ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલ પાર પહોંચતા તેલ કંપનીઓએ વધાર્યા ભાવ, પીએમ મોદીએ ઈંધણનો મર્યાદિત ઉપયોગ કરવા આપી અપીલ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળા વચ્ચે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો મુજબ દિલ્હીમાં પેટ્રોલ હવે ₹97.77 પ્રતિ લિટર અને ડીઝલ ₹90.67 પ્રતિ લિટરના ભાવે મળશે.

મળતી માહિતી મુજબ ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા યુદ્ધજન્ય તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર પ્રતિ બેરલથી વધીને 100 ડોલર પાર પહોંચી ગયા છે. જેના કારણે તેલ માર્કેટિંગ કંપનીઓ પર આર્થિક દબાણ વધ્યું હતું અને નુકસાન ઘટાડવા માટે કિંમતોમાં વધારો કરાયો હોવાનું માનવામાં આવે છે.

વિશેષજ્ઞોના મતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત તેજી રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે, જેના સીધી અસર સામાન્ય જનતા અને પરિવહન ક્ષેત્ર પર પડશે. આ અગાઉ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹10 નો ઘટાડો કર્યો હતો. તેમ છતાં હાલની વૈશ્વિક પરિસ્થિતિને કારણે ફરીથી કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ જ પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ કરવાથી દેશનું વિદેશી હૂંડિયામણ બચશે અને વૈશ્વિક સંકટની અસર પણ ઓછી થશે.









