ભેરડા ગામે રહેતી 8 માસની ગર્ભવતી મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, ઇલાબેન કિશોરભાઈ વધોરા હાલમાં પોતાના માતા-પિતાના ઘરે ભેરડા ગામે રહે છે. ગત તારીખ 23 મેના રોજ પતિ સાથે થયેલા ઘરેલુ ઝઘડાના કારણે તેઓ પોતાના બે સંતાનો સાથે પિયર આવી ગયા હતા. બાદમાં ગર્ભાવસ્થાને કારણે બંને બાળકોની સંભાળ રાખવામાં મુશ્કેલી પડતી હોવાથી પતિને એક બાળક પોતાની સાથે લઈ જવા માટે કહેવડાવવામાં આવ્યું હતું.

આ દરમિયાન તારીખ 30 મેના રોજ પતિ કિશોરભાઈ ભેરડા ગામે આવી બાળકોને પરત મૂકી ગયા હતા. ત્યારબાદ બાળકો અંગે વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં પતિએ ગાળાગાળી કરી પત્ની સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલાના પેટના ભાગે પણ માર મારવામાં આવ્યો હતો. વચ્ચે પડેલા માતાને પણ સામાન્ય ઈજા પહોંચી હતી.

બનાવ બાદ મહિલાને પેટમાં દુખાવો ઉપડતાં 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેઓ સારવાર હેઠળ છે.
આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે બી.એન.એસ. કલમ 115(2), 351(3) અને 352 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.













