વાંકાનેર : સમસ્ત ચારણિયા સમાજ દ્વારા સમાજમાં સહાય અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા 11 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્ન સમારોહ વાંકાનેર-મોરબી હાઈવે પર જાલીડા પાસે આવેલ આઈધામ મોગલ મા મંદિરે તા. 10 મે, રવિવારે સવારે યોજાશે, જેમાં લગ્નવિધિ તેમજ સંબંધિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

સમૂહલગ્નમાં ભાગ લેનારી દરેક દીકરીને કરિયાવર તરીકે 101 ઉપયોગી વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવશે. સમાજના અગ્રણી રાજેશભાઈ જેપાડે માહિતી આપતા જણાવ્યું હતું કે આઈધામ મોગલ મા મંદિરે સમાજનો આ બીજો સમૂહલગ્ન સમારોહ છે, જે સમાજમાં સહકાર અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવશે.

દીકરીઓની પસંદગી માટે સમાજ દ્વારા ચાર મુખ્ય માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં માતા-પિતા વિહોણી દીકરીઓ, માતા અથવા પિતામાંથી કોઈ એક ન હોય તેવી દીકરીઓ, પરિવારમાં માત્ર દીકરી જ સંતાન હોય તેવી સ્થિતિ અને આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પરિવારોની દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ આયોજન દ્વારા સમાજમાં સામાજિક જવાબદારી અને સહાયભાવનો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.









