વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર હિમાલયા પ્લાઝા નજીક બુધવારે બનેલા માર્ગ અકસ્માતમાં ટ્રકે બે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, જુના રાજાવડલા ગામના સંજયભાઈ બાબુભાઈ સોલંકી પોતાના મિત્ર માવજીભાઈ દલાભાઈ ચાવડા સાથે માતેલ માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેમનું મોટરસાયકલ ફરી એકવાર બંધ પડી જતાં તેઓ ધક્કો મારી આગળ વધી રહ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થતાં સુખદેવભાઈ પાટડીયાએ પોતાના મોટરસાયકલ સાથે દોરડાથી બાંધીને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.

બંને મોટરસાયકલ રોડની સાઈડમાં ધીમે આગળ વધી રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા ટ્રક (રજી. નં. GJ-15-AV-5108) ના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ટ્રક હંકારી બંને મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી.
અકસ્માતમાં સંજયભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે માવજીભાઈ ચાવડાને માથા તથા જમણા પગમાં ગંભીર ઈજાઓ થતાં પ્રથમ વાંકાનેર ખાતે સારવાર અપાઈ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત સુખદેવભાઈ પાટડીયાને પણ માથામાં ઈજા પહોંચી હોવાનું નોંધાયું છે.

આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે ટ્રકચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 125(એ-બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.











