પોલીસે દવાઓ, ઇન્જેક્શન સહિત રૂ. 3 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો; BNS અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધાયો
વાંકાનેર શહેરના ગુલશન પાર્ક સોસાયટી વિસ્તારમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓને સારવાર આપતા એક શખ્સ સામે વાંકાનેર સિટી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસને 112 જનરક્ષક મારફતે માહિતી મળી હતી કે “ડો. જે.કે. પઠાણ” નામનો વ્યક્તિ હરશ, મસા, ભગંદર, ફિશર અને વાઢીયાની સારવારના નામે ડિગ્રી વગર આયુર્વેદિક દવાખાનું ચલાવી રહ્યો છે. માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. સિંધવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની હાજરીમાં દવાખાનાની ચકાસણી કરવામાં આવી હતી. આરોપી જાકીરખાન બસીરખાન પઠાણ (ઉ.વ. 40, મૂળ ભીલવાડા, રાજસ્થાન, હાલ ગુલશન પાર્ક, વાંકાનેર) પાસે ડોક્ટરી પ્રેક્ટિસ કરવા અંગે કોઈ માન્ય ડિગ્રી કે લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન આયુર્વેદિક દવાઓ, લોકલ એનેસ્થેશિયાના વાયલ, ઇન્સ્યુલિન સિરિંજ, સર્જિકલ સાધનો, લિગ્નોકેઇન જેલ તથા પ્રિસ્ક્રિપ્શન બુક સહિત કુલ અંદાજે રૂ. 3,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે BNS-2023ની કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ-1963ની કલમ 30 અને 33 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.












