વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના અનુસંધાને એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી હતી.

દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ બ્રીજેશભાઈ કાસુંદ્રા અને પોલીસ કોન્સ્ટેબલ કૌશિકભાઈ મણવરને ખાનગી બાતમી મળી હતી કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વર્ષ 2015ના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે શાહબુદ્દીન ખાન હાલ ડ્રાઇવિંગનું કામ કરતો હોય અને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી પસાર થવાનો છે.

આ બાતમીના આધારે પોલીસ ટીમે રામટેક આર.ટી.ઓ. ચેકપોસ્ટ, નાગપુર ખાતે વોચ ગોઠવી આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે સાહાબુદ્દીનખાન ઉવ. 30 (મૂળ વતન ભરતપુર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અપહરણ અને દુષ્કર્મના આ ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડને મહત્વની સફળતા મળી છે.
કાર્યવાહીમાં જોડાયેલા અધિકારીઓ:
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, પો.સબ.ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, પો.સબ.ઇન્સ્પેક્ટર વી.જી. માલાણી તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.










