વાંકાનેર શહેર તેમજ તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુગારની પ્રવૃત્તિ અંગે મળેલી બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં શક્તિપારા વિસ્તારમાંથી બે શખ્સો ઝડપાયા હતા, જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. બીજી તરફ વિનયગઢ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડો વાંકાનેર સીટી પોલીસ ટીમે શક્તિપારા સ્કૂલ પાછળ આવેલી શેરીમાં પાડ્યો હતો. જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી હતી. પોલીસે રાયસીંગભાઇ દિનેશભાઇ બાબરીયા અને આમીન મહેબુબભાઇ જેડાને ઝડપી લીધા હતા. જ્યારે રસિદભાઇ ઉર્ફે રઘુ બાબુભાઇ ચાવડા, સાહીલ હુશેનભાઇ પીપરવાડીયા અને જાનમામદ ઉર્ફે જાનીયો આદમભાઇ સિંધી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.10,800 રોકડા કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે વિનયગઢ ગામની સીમમાં કારીધાર પાસે કૈલાસ પટેલની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા જીતેશભાઇ જીવરાજભાઇ ધાડવી, ભુપતભાઇ માવજીભાઇ મકવાણા, રમેશભાઇ માવજીભાઇ ચૌહાણ અને મહેશભાઇ ધમાભાઇ સારલાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.25,100 રોકડા કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
બંને દરોડામાં પોલીસે કુલ રૂ.35,900 રોકડા કબજે કર્યા હતા.












