વર્ષોથી યોજાતો બે દિવસીય મેળો લોકોની લાગણીને ધ્યાને રાખી ત્રણ દિવસનો કરાયો; 22થી 24 ઓગસ્ટ દરમિયાન મેળાનો આનંદ માણી શકશે ભાવિકો
વાંકાનેરથી આશરે 12 કિમી દૂર આવેલા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે દર વર્ષે યોજાતા પૌરાણિક મેળાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વર્ષોથી બે દિવસ સુધી યોજાતો આ મેળો આ વર્ષે લોકોની લાગણી અને માંગને ધ્યાને રાખીને ત્રણ દિવસ સુધી યોજવાનો નિર્ણય સેવા સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

સેવા સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ આ વર્ષે જડેશ્વર મહાદેવનો પૌરાણિક મેળો તા. 22-08-2026 શનિવારથી તા. 24-08-2026 સોમવાર સુધી એમ સતત ત્રણ દિવસ યોજાશે.

જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાતા આ પરંપરાગત મેળાનું વર્ષોથી વિશેષ ધાર્મિક અને લોકમેળાનું મહત્વ રહ્યું છે. દર વર્ષે મોટી સંખ્યામાં વાંકાનેર સહિત આસપાસના ગામો અને વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ તથા મેળાપ્રેમીઓ અહીં ઉમટી પડે છે.

અગાઉ મેળો બે દિવસ માટે યોજાતો હતો, પરંતુ આ વર્ષે લોકોની લાગણીને માન આપી સેવા સમિતિ દ્વારા મેળામાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેથી ભાવિકો અને મેળાપ્રેમીઓ હવે ત્રણ દિવસ સુધી મનભરીને મેળાનો આનંદ માણી શકશે. સેવા સમિતિ દ્વારા જાહેર જનતાને મેળાની નવી તારીખો અને ત્રણ દિવસના આયોજનની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

📍 સ્થળ: સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ, વાંકાનેરથી આશરે 12 કિમી📅 તારીખ: 22, 23 અને 24 ઓગસ્ટ 2026🗓️ દિવસ: શનિવાર, રવિવાર અને સોમવાર












