વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે અગાઉના ઝઘડાની અરજીનો ખાર રાખી મહિલા સહિત બે વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જોધપર ગામે રહેતા નાગલબેન વાલજીભાઈ રાઠોડ (ઉં.વ. 45)એ ભાવુબેન કિશનભાઈ સોલંકી અને કિશનભાઈ સોલંકી, બંને રહે. જોધપર, વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ આરોપીઓ સાથે અગાઉ નાની-નાની બાબતોમાં થયેલા ઝઘડા અંગે પોલીસમાં અરજી કરવામાં આવી હતી. આ બાબતનો ખાર રાખી બંને આરોપીઓએ જોધપર ગામના ચોકમાં ફરિયાદી નાગલબેન તથા તેમના ભત્રીજા વહુ પર લાકડી વડે હુમલો કર્યો હતો. તેમજ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.












