વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે રામપરા વીડી સેન્ચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” તથા “એક પેડ માં કે નામ”ના સૂત્ર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારી સક્સેનાજી, D.F.O., R.F.O. સહિત વાંકાનેર રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, ભાજપના જિલ્લા-તાલુકા-શહેરના હોદેદારો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પર્યાવરણ જાળવણી, વધુમાં વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત, પ્લાસ્ટિક મુક્તિ અને જળ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. તેમણે વધુમાં વધુ વૃક્ષો વાવી તેના ઉછેરની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી. સાથે જ યુવાનો, નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અનુરોધ કર્યો હતો.



















