વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા છ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 17,800 તથા જુગારમાં ઉપયોગમાં લેવાતા ગંજીપતાના પાના કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પરમાર અને સામતભાઈ છુછીયાને મળેલી બાતમીના આધારે વીડી જાંબુડીયા ગામે રેડ કરવામાં આવી હતી. જેમાં જાહેર સ્થળે પૈસાની હારજીત સાથે જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડી તેમની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડાયેલા આરોપીઓમાં સિંધાભાઈ ટીલાભાઈ સારલા, મુકેશભાઈ નભાભાઈ સાવડીયા, રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા, ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા, મહેશભાઈ પરબતભાઈ કાંજીયા અને લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયાનો સમાવેશ થાય છે.

આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ક્રીપાલસિંહ ચાવડા, પો.હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ બાવળીયા, જશપાલસિંહ ઝાલા, પો.કોન્સ્ટેબલ સામતભાઈ છુછીયા, શક્તિસિંહ પરમાર સહિતની સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.










