વાંકાનેર માં કુહાડી અને છરી વડે જીવલેણ હુમલો : યુવકને ગરદન અને પીઠમાં ગંભીર ઇજા, એટ્રોસિટી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

Image

વાંકાનેર શહેરમાં બે જૂથો વચ્ચે સર્જાયેલા તણાવ બાદ બે પિતરાઈ ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં એક યુવકને ગરદન અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે એટ્રોસિટી એક્ટ, હત્યાના પ્રયાસ, રમખાણ સહિતની ગંભીર કલમો હેઠળ સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી યશદીપ હિતેશભાઈ સોલંકી (ઉ.વ. 22), રહે. આંબેડકરનગર શેરી નં. 1, વાંકાનેર, ગત તા. 12 જૂનના રોજ પોતાના માસીના દીકરા મનીષભાઈ મહાલીયા સાથે સ્ટેશનરીની ખરીદી કરીને એક્ટીવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સાંજના સમયે એક્સિસ બેન્ક નજીક આરોપી એજાજ ઉર્ફે ડાડલી, તેનો ભાઈ, ઇકબાલ તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે ઉભા હતા.


ફરિયાદ અનુસાર આરોપીઓએ બંને યુવકોને જોઈ “આ બંનેને મારી નાખો” તેમ કહી તેમનો પીછો શરૂ કર્યો હતો. ડરના કારણે બંને યુવકો એક્ટીવા પર ભાગવાનો પ્રયાસ કરતા શારદા સ્કૂલ નજીક તેમનું વાહન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું. ત્યારબાદ બંને યુવકો પગપાળા ભાગવા લાગ્યા હતા.


આ દરમિયાન આરોપી એજાજ ઉર્ફે ડાડલીએ યશદીપ પર કુહાડી વડે હુમલો કરતાં તેની ગરદનના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે અન્ય એક અજાણ્યા શખ્સે તેની પીઠના ભાગે છરીનો ઘા ઝીંક્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યશદીપને પ્રથમ વાંકાનેર અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી એજાજ ઉર્ફે ડાડલી સહિતની ટોળકી સામે એટ્રોસિટી એક્ટ, હત્યાની કોશિશ, રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading