બિલેશ્વર મહાદેવ મંદિર નજીક સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનન કરતા રૂ.55 લાખનો મુદામાલ કબજે

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાચા રસ્તા નજીક સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખાણ ખનીજનું ખનન કરી તેનું વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

સરહદ રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયાની સૂચના અને મોરબી જિલ્લા પોલીસ તંત્રના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કાર્યવાહી કરી હતી. દરમિયાન બે ઇસમોને ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં પૃથ્વિરાજસિંહ ભગવતસિંહ ઝાલા અને મહેન્દ્રભાઈ કાળુભાઈ મકવાણા (બંને રહે. કણકોટ, તા. વાંકાનેર)નો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી GJ36-52246 નંબરનું JCB મશીન (કિંમત રૂ.30 લાખ) અને GJ02-XX-6442 નંબરનો ટ્રક ડમ્પર (કિંમત રૂ.25 લાખ) મળી કુલ રૂ.55 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી એલસીબી મોરબીના ઇન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલ, PSI બી.ડી. ભટ્ટ, PSI વી.જી. માલાણી, પેરોલ ફર્લો સ્કવોડ તથા ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા કરવામાં આવી હતી.














