વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર આવેલ રોસા સિરામીક સામે દવાખાનુ ચલાવતા એક બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી વગર એલોપેથીક સારવાર આપતો હતો.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી તથા મોરબી પોલીસ અધીક્ષકશ્રીની સૂચના મુજબ એસ.ઓ.જી. ટીમ દ્વારા બોગસ ડોકટરો વિરુદ્ધ ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. મોરબીની ટીમે તબીબી અધિકારી PHC ઢુવાને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.
રેઇડ દરમિયાન સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા (મૂળ નિવાસી બિહાર) નામનો ઇસમ ડિગ્રી વગર સારવાર આપતો ઝડપાયો હતો. સ્થળ પરથી વિવિધ કંપનીની ટેબલેટ, સીરપ, ઇન્જેક્શન સહિતના દવાઓ તેમજ તબીબી સાધનો મળી કુલ રૂ. ૪૫,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ મામલે બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.









