સમથેરવા ગામની સીમમાં મળેલી અજાણ્યા પુરૂષની લાશના ચાર મહિના જૂના હત્યા કેસનો ભેદ ઉકેલાયો

Image

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી આશરે ચાર મહિના પહેલા મળી આવેલી અજાણ્યા પુરૂષની નિર્વસ્ત્ર હાલતમાં લાશના વણશોધાયેલા હત્યા કેસનો મોરબી LCB તથા પેરોલ-ફર્લો સ્ક્વોડે ભેદ ઉકેલી છ શખ્સોને ઝડપી પાડ્યા છે.


મળતી માહિતી મુજબ, તા. 8 એપ્રિલ 2026ના રોજ સમથેરવા ગામની સીમમાં ખરાબાની ખુલ્લી જગ્યામાં એક અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં BNS કલમ 103(1), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો. મરણ જનારની ઓળખ પણ થઈ શકી નહોતી.


ગંભીર અને વણશોધાયેલા આ હત્યા કેસની તપાસ માટે પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી મોરબી LCB તથા પેરોલ-ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસના CCTV કેમેરા, શંકાસ્પદ વાહનોની અવરજવર, કારખાના, હોટલ, પેટ્રોલપંપ તથા આસપાસના રહેવાસીઓ અને મજૂરો પાસેથી માહિતી મેળવી હતી. સાથે જ મૃતકના ફોટા સોશિયલ મીડિયા મારફતે પ્રસિદ્ધ કરી તેની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.


પોલીસના જણાવ્યા મુજબ, હ્યુમન સોર્સ અને ટેક્નિકલ માધ્યમથી મળેલી માહિતીના આધારે છ શંકાસ્પદોને મોરબી LCB કચેરી ખાતે લાવી અલગ-અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન તમામ છ શખ્સોએ હત્યાની ઘટનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.


પોલીસના જણાવ્યા મુજબ હત્યાનું કારણ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૃતક અજાણ્યો પુરૂષ આરોપી સંદીપભાઈ ધનજીભાઈ ઝાલરીયાના રહેણાક મકાનમાં દિવસ દરમિયાન ચોરીના ઇરાદે પ્રવેશ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી. આરોપી સંદીપભાઈએ મૃતકની તપાસ કરતા તેની પાસેથી પોતાની કાર તથા એક્ટિવાની ચાવીઓ મળી આવતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી.


ત્યારબાદ સંદીપભાઈએ પોતાના ડ્રાઇવર રાજેશભાઈ ડાભીને ઈનોવા કાર સાથે બોલાવી મૃતકને કારમાં બેસાડી માથક નજીક આવેલા સોલાર ફાર્મ ખાતે લઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યાં અન્ય સાથીદારો સાથે મળી મૃતકને PVC પાઇપ વડે માર માર્યા બાદ કારમાં નાખી વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ લાશ ફેંકી દેવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.


ઝડપાયેલા આરોપીઓ
1) સંદીપભાઈ ધનજીભાઈ ઝાલરીયા, રહે. ઉમીયાનગર, શનાળા રોડ, મોરબી
2) એલીસભાઈ જસમતભાઈ ઉર્ફે જયંતીભાઈ ઝાલરીયા, રહે. લુટાવદર, તા.જી. મોરબી
3) દીવ્યેશભાઈ ગોવિંદભાઈ ઝાલરીયા, રહે. લુટાવદર, તા.જી. મોરબી
4) મુન્નો ઉર્ફે વરૂણ રૈયાભાઈ ગોલતર, રહે. રફાળેશ્વર, તા.જી. મોરબી
5) રાજેશભાઈ રમેશભાઈ ડાભી, રહે. ભડીયાદ, તા.જી. મોરબી
6) રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ, રહે. રસુલપુર, તા. અમનોર, જી. છપરા, બિહાર


રૂ.11.10 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી ઈનોવા કાર નં. GJ-36-L-9881, કિંમત આશરે રૂ.10 લાખ તથા 8 મોબાઇલ ફોન, કિંમત રૂ.1.10 લાખ મળી કુલ રૂ.11.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


આ સમગ્ર કામગીરી મોરબી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, PSI બી.ડી. ભટ્ટ, પેરોલ-ફર્લો સ્ક્વોડના PSI વી.જી. માલાણી તથા LCB, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને ટેક્નિકલ સેલના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading