વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પાડધરા ચોકડીથી મકતાનપર જવાના રસ્તા પર આદર્શ સ્ટોન સામે રોડ ઉપર એક શંકાસ્પદ વ્યક્તિ પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભી હોવાનું જણાતા તેની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બાચકામાંથી રાજસ્થાનમાં વેચાણ માટેનો “બ્લેક જગુઆર પ્રીમિયમ વ્હિસ્કી” બ્રાન્ડનો 180 એમએલના 48 ચપલાનો જથ્થો, કુલ અંદાજિત ₹4,800ના મુદામાલ સાથે મળી આવ્યો હતો.

પકડાયેલ આરોપીની ઓળખ અક્ષયભાઈ જગદીશભાઈ કુણપરા (ઉ.વ. 25), રહે. પંલાસ, તા. વાંકાનેર તરીકે થઈ છે. આરોપી પાસે દારૂ રાખવા માટે કોઈ પાસ, પરમિટ કે આધાર ન હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂ મુકેશ મનસુખભાઈ દંતેસેરિયા, રહે. જામસર, તા. વાંકાનેર પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસ સ્થળ પરથી સપ્લાયરને ઝડપી શકી નહોતી.

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) અને 81 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










