મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન–ઈઝરાયેલ–અમેરિકા વચ્ચેના તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે વિશ્વપ્રસિદ્ધ મોરબી સિરામિક ક્લસ્ટર પર દેખાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં R-LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ની ઉપલબ્ધતા ઘટતા ગુજરાત ગેસ કંપનીએ ગેસ વેચાણ કરાર મુજબ ‘ફોર્સ મેજર’ જાહેર કરીને ઉદ્યોગોને અપાતા ગેસ પુરવઠામાં મોટો કાપ મૂક્યો છે.
ગુજરાત ગેસ દ્વારા ગ્રાહકોને પાઠવવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ 6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી ગેસ સપ્લાય મર્યાદિત કરવામાં આવ્યો છે. નિયમિત ઉદ્યોગ એકમોને ફેબ્રુઆરી 2026 ના સરેરાશ દૈનિક વપરાશના આધારે માત્ર 50 ટકા જેટલો જ નવો DCQ ફાળવવામાં આવ્યો છે. જો કોઈ એકમ આ મર્યાદાથી વધુ ગેસ વપરાશ કરશે તો કંપની દ્વારા પૂર્વ સૂચના વિના ગેસ સપ્લાય તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ Non-MGO ગ્રાહકો માટે પરિસ્થિતિ વધુ કડક બની છે. આવા યુનિટ્સ માટે 6 માર્ચ 2026 થી DCQ સંપૂર્ણપણે શૂન્ય કરી દેવામાં આવ્યો છે. એટલે કે આ તારીખ પછી જો કોઈ Non-MGO યુનિટ ગેસ વપરાશ કરશે તો તેને સીધો જ ‘એક્સેસ ગેસ’ ગણવામાં આવશે અને તેના પર કંપની દ્વારા ઊંચા દરે ચાર્જ વસૂલવામાં આવશે. તેમજ ગેસ વપરાશ જણાશે તો કોઈપણ પૂર્વ સૂચના વગર કનેક્શન કાપી નાખવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
રહેણાંક અને વાહન ક્ષેત્ર પર હાલ અસર નથી
આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગેસ સપ્લાયની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. ઘરગથ્થુ PNG ગેસ પુરવઠો યથાવત રાખવામાં આવ્યો છે જેથી સામાન્ય જનજીવન પર અસર ન પડે. તેવી જ રીતે વાહનો માટેના CNG પંપ પર પણ હાલ કોઈ મોટો કાપ મૂકાયો નથી. સૌથી મોટો પ્રભાવ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર, ખાસ કરીને સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહ્યો છે.
સિરામિક ઉદ્યોગમાં શટડાઉનનો ભય રહેશે
મોરબી સિરામિક એસોસિએશનના આગેવાનો મનોજ એરવાડિયા અને હરેશ બોપલિયા સહિતના ઉદ્યોગકારોએ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મોરબીમાં નેચરલ ગેસ ઉપરાંત દૈનિક અંદાજે 5500 ટન જેટલો પ્રોપેન ગેસ વપરાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય તણાવને કારણે વિદેશી જહાજોની આવન-જાવનમાં વિક્ષેપ થતા પ્રોપેન સપ્લાય પણ મર્યાદિત થઈ ગયો છે.
ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ જો ગેસ પુરવઠો જલ્દી પૂર્વવત નહી થાય તો મોરબીના હજારો સિરામિક કારખાનાઓને ફરજિયાત શટડાઉન કરવું પડી શકે છે. જેના કારણે લાખો શ્રમિકોની રોજગારી અને અબજો રૂપિયાના નિકાસ વેપાર પર ગંભીર અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.









