
મોરબી એલસીબી પોલીસ દ્વારા ચોટીલા–રાજકોટ હાઈવે ઉપર સુગર ‘એન’ સ્પાઈસ હોટલ નજીક પ્રતિબંધિત દારૂ અંગે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન વિદેશી બનાવટના દારૂ (IMFL)નો વિશાળ જથ્થો ઝડપાયો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડતાં કુલ 31,752 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 1,93,47,360 થાય છે. ઉપરાંત ઘટનાસ્થળેથી એક વાહન (રૂ.25 લાખ), એક મોબાઈલ ફોન (રૂ.5 હજાર) અને રૂ.3,200 રોકડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ કુલ મળી રૂ.2,18,55,560નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
આ દારૂમાં McDowell’s No.1, Royal Challenge, Royal Stag, All Seasons Gold Collection અને Kingfisher Extra Strong Beer જેવી બ્રાન્ડના જથ્થાનો સમાવેશ થાય છે, જે પંજાબની વિવિધ ડિસ્ટિલરીમાં બનાવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે પોલીસે લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઝહેરાઝ, તાલુકો ખેડવાડા, જીલ્લો ઉદયપુર, રાજસ્થાન) નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જે વાહનનો ડ્રાઈવર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત દારૂ મોકલનાર અજાણ્યો શખ્સ, વાહનના માલિક તથા દારૂ મેળવવાનો હતો તે વ્યક્તિ સહિત ત્રણ આરોપીઓ હજુ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી મોરબીના PI એમ.પી. પંડ્યાની આગેવાનીમાં કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.









