વાંકાનેર તાલુકાના દીધલિયા ગામે ગ્રામ પંચાયતના પાણીના અવાડા મુદ્દે થયેલી બોલાચાલી બાદ ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ સામે ગુનો નોંધાતા વિસ્તારમાં ચર્ચા જાગી છે.

ફરિયાદ મુજબ દીધલિયા ગામે રહેતા અબ્દુલભાઈ સાવદીભાઈ ખોરજીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ઘર નજીક આવેલ ગ્રામ પંચાયતના પાણીના અવાડા પાસે આરોપી સામતભાઈ ઢોરને પાણી પાવવા આવ્યા હતા. તે દરમિયાન અવાડામાં પાણી ઓછું હોવાથી સરપંચના પરિવાર અંગે ગાળાગાળી કરવામાં આવી હતી. આ સમયે ફરિયાદીની પત્નીએ ગાળો ન બોલવા અને કોઈ રજૂઆત હોય તો સરપંચને કરવાની વાત કરતા આરોપીઓને માઠું લાગી આવ્યું હતું.

ત્યારબાદ રાત્રિના સમયે આરોપીઓ લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને ગાળો આપી હોબાળો મચાવ્યો હતો. દરમિયાન અન્ય બે વ્યક્તિઓ પણ લાકડીઓ સાથે આવી જોડાયા હતા. આરોપીઓએ જોરજોરથી બુમાબુમ કરી ગાળાગાળી કરી હતી તેમજ ફરિયાદીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા આખરે ફરિયાદી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










