મોરબીની સામાજિક સંસ્થા યુવા શક્તિ ફાઉન્ડેશન, મોરબી તથા ભોલેનાથ જીવદયા ગ્રુપ, વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે આજે જડેશ્વર નજીકના વિડી વિસ્તારમાં જીવદયાને સમર્પિત અનોખા “કીડિયારું મહોત્સવ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સૂકા નારિયેળના કાચલા અને માટીના વાસણોમાંથી તૈયાર કરાયેલા 1000થી વધુ કીડિયારાં વિડી વિસ્તારમાં વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા. કીડી સહિતના સૂક્ષ્મ જીવજંતુઓને કુદરતી આશ્રય અને ખોરાક મળી રહે તે હેતુથી આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. સાથે જ અબોલા પક્ષીઓ માટે ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ સેવાકાર્યમાં સ્થાનિક યુવાનો, મહિલાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોને જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને કુદરતમાં વસતા દરેક જીવના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જીવદયા માત્ર મોટા પ્રાણીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ કીડીથી લઈને પક્ષીઓ સુધીના દરેક જીવ પ્રત્યે કરુણા રાખવી આપણી સંસ્કૃતિ અને નૈતિક જવાબદારી છે. કાર્યક્રમના અંતે તમામ સેવાભાવી કાર્યકરો, મહિલાઓ અને બાળકોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા પ્રકૃતિલક્ષી કાર્યો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.










