વાંકાનેર તાલુકાના કણકોટ ગામ વિસ્તારમાં મોરબી એલ.સી.બી. ટીમે સફળ દરોડા કાર્યવાહી કરી પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કુલ ₹40,525 કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક, કચ્છ વિભાગ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજાની સૂચના મુજબ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાનગી બાતમીના આધારે કણકોટ ગામના સ્મશાન પાસે કૃષ્ણા પાન પાર્લરની પાછળ જાહેર જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન આરોપી અર્જુનસિંહ ગિરિરાજસિંહ ઝાલા (ઉ.વ. 24), રહે. કણકોટ ગામ, તા. વાંકાનેરના કબજામાંથી વિવિધ બ્રાન્ડની 750 એમએલની 22 બોટલ તથા 180 એમએલની 202 બોટલ મળી આવી હતી. કુલ મળીને ₹40,525નો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો.
આરોપી સામે કાયદેસરની કાર્યવાહી માટે મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.













