89.93 ગ્રામ સોનાના દાગીના, સ્વિફ્ટ કાર અને સ્પ્લેન્ડર બાઈક સહિતનો મુદ્દામાલ ડીવાયએસપી એસ.એચ. સારડાના હસ્તે ફરિયાદી અને સાક્ષીઓને પરત અપાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વ્યાજખોરીના ગુનામાં પોલીસે નોંધપાત્ર કામગીરી કરી કુલ રૂ. 10,49,440નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરી ફરિયાદી તથા સાક્ષીઓને પરત સોંપ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 31 મે, 2026ના રોજ રાતાવીરડા ગામના પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સાક્ષી ભનુભાઈ લાલજીભાઈ કુણપરા અને સવશીભાઈ જાદવભાઈ કુણપરાના નિવેદનોના આધારે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી વ્યાજ પેટે પડાવી લેવાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ, સ્વિફ્ટ કાર તેમજ ફરિયાદી અને સાક્ષીઓના કુલ 89.93 ગ્રામ વજનના સોનાના દાગીના મળી કુલ રૂ. 10,49,440નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આજરોજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના હસ્તે સમગ્ર મુદ્દામાલ ફરિયાદી તથા સાક્ષીઓને પરત સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસે “પોલીસ પ્રજાની મિત્ર” સૂત્રને સાર્થક કર્યું છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા, એએસઆઈ ગીરીશભાઈ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ ધર્મરાજભાઈ ગઢવી સહિત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.











