વાંકાનેર: રાજકોટ રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાય, મોરબી એસપી એમ.વી. પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરતા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે.

ફરિયાદ મુજબ, લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ફરિયાદીને મજૂરોને ચૂકવણી કરવા તથા ભાઈની સારવાર માટે નાણાંની જરૂર પડતા આરોપીઓ પાસેથી અલગ-અલગ રકમો 30 ટકા, 35 ટકા તેમજ 120 ટકા સુધીના ઊંચા વ્યાજદરે લીધેલી હતી. ફરિયાદી દ્વારા મૂળ રકમ અને વ્યાજ સહિતની ચૂકવણી કર્યા બાદ પણ આરોપીઓએ બળજબરીપૂર્વક વધુ રકમ વસૂલ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ફરિયાદ અનુસાર એક આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 5 લાખ બળજબરીથી પડાવ્યા હતા, જ્યારે અન્ય આરોપીએ ફરિયાદીનું મોટરસાયકલ અને ત્રીજા આરોપીએ ફરિયાદીની પત્નીના આશરે સાડા ત્રણ તોલા સોનાના દાગીના કબજે કરી લીધા હતા.

આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 351(1), 351(3), 308(5) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ફરિયાદીનું મોટરસાયકલ અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ અંદાજે રૂ. 3.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત ગીરવે મુકાયેલા અન્ય સોનાના દાગીના તથા વધુ મુદ્દામાલ મેળવવા આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ:
અજયભાઈ રમેશભાઈ અબાણીયા (રાતાવીરડા, તા. વાંકાનેર)
બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીગોરા (લાકડધાર, તા. વાંકાનેર)
હિતેશભાઈ મગનભાઈ કકાસણીયા (રવાપર રોડ, મોરબી)











